Story
*✏✏વાંચવા જેવી સ્ટોરી✏✏*
એક છોકરીના લગ્ન થયા. છોકરીની સાસુએ નવી આવેલી વહુને નાકમાં પહેરવાનો સાચા હીરાનો એક કિંમતી દાણો ભેટમાં આપ્યો. દાણો ખુબ સરસ હતો અને હીરાની ચમક અદભૂત હતી એટલે વહુ તો ખુશ થઈ ગઈ. સાસુમાનો આવી સુંદર ભેટ બદલ આભાર વ્યક્ત કર્યો. સાસુએ કહ્યું, " બેટા, મારી અંગત બચતમાંથી આ દાણો લીધો છે એટલે એને નિયમિત પહેરજે અને બરોબર સાચવજે."
સાસુમા તરફથી મળેલી આ ભેટને વહુ જીવની જેમ સાચવતી હતી. એકવખત બહેનપણીઓ સાથે ફરવા ગયેલી અને ત્યાં નાકનો દાણો ખોવાઈ ગયો. હવે શું કરવું એની ચિંતા વહુને હતી. ઘરમાં સાસુને મો ના બતાવે અને સાસુથી દૂર દૂર જ રહે. જો ભૂલથી સાસુ સામે આવી જાય તો ચૂંદડીથી મોઢું ઢાંકી દે. વહુ બહુ મૂઝાતી હતી અને આ વાત સાસુને કેમ કરાવી તે સમજ નહોતી પડતી. પતિ પણ કોઈ કામ સબબ અમુક દિવસો માટે બહારગામ ગયો હતો એટલે બીજા કોને આ પીડા કહે ?
એકદિવસ સવારમાં સાસુએ વહુને બોલાવી. વહુ માથે ચૂંદડી ઓઢીને આવી. સાસુએ એક નાની ડબલી વહુના હાથમાં મુક્તા કહ્યું, " આમાં બીજો એક દાણો છે એ પહેરી લેજો. દાણા વગરનું નાક સારું નથી લાગતું."
વહુ રડી પડી અને સાસુને ભેટી પડી. એણે પૂછ્યું, " બા, તમે જાણતાં હતા કે મારો નાકાનો દાણો નથી ? " સાસુએ કહ્યું, " હા બેટા, એ કઈ થોડું છૂપું રે અને એમાં પણ સાસુથી તો છૂપું ક્યાંથી રહે ? " આટલું કહીને સાસુ હસી પડ્યા. વહુનું બધું જ ટેન્શન જતું રહ્યું. એમણે સાસુને કહ્યું, " તમને ખબર હતી તો પછી મને કઈ બોલ્યા કેમ નહિ ? મેં સામાન્ય દાણો નહિ બહુ મૂલ્યવાન હીરો ખોઈ નાખ્યો છે છતાં તમે મૌન કેમ છો ?"
સાસુએ બહુના માથા પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું," બેટા, તને બોલવાથી કે ખિજાવાથી દાણો પાછો થોડો આવી જવાનો હતો ? તારાથી જે થયું એ મારાથી પણ થઈ શકે છે. જે ખોવાયો છે એ દાણો તો ભવિષ્યમાં પાછો ખરીદી શકીશું પણ મારી વહુનો પ્રેમ ખોવાઈ જાય તો એ કોઈ બજારમાં મને ફરીથી વેંચાતો ના મળે !"
*મિત્રો, લાગણી અને પ્રેમની સામે નાણાંનું મૂલ્ય નહિવત છે. સંપત્તિ અને સંબંધની લડાઈમાં સંબંધની હાર ના થાય એનું ધ્યાન રાખવું કારણકે પછી ગમે તેટલી સંપત્તિ આપીને પણ સંબંધ ખરીદી નહિ શકાય.😊🙏*
Comments
Post a Comment