ભાઈ બીજ
*પ્રભાતનું પુષ્પ*
વ્હાલાં મિત્રો..
શુભ સવાર..
આજે કારતક સુદ બીજ, ભાઈબીજ. સૌ મિત્રોને ભાઈબીજની શુભેચ્છાઓ..
આજનો દિવસ યમદ્વિતીયા તરીકે પણ ઓળખાય છે. પુરાણકથા મુજબ ભગવાન શ્રી સૂર્યનારાયણ અને તેમના પત્ની છાયાની પુત્રી યમુનાએ તેના ભાઈ યમરાજને આજના દિવસે પોતાના ઘરે જમવા નોતર્યાં હતાં ને ભાઈનો સસ્નેહ આદર સત્કાર કર્યો હતો. યમરાજે ખુશ થઈને તેની બહેનને વચન આપ્યું હતું કે આજના દિવસે કોઈ ભાઈનું અપમૃત્યુ નહિ થાય. આ પરંપરા મુજબ આજના દિવસે બહેન પોતાના ઘરે (સાસરે) તેના વ્હાલા ભાઈ - ભાભી અને તેમનાં બાળકોને જમવા આવવાનું ભાવભીનું નોતરું આપે છે અને ભાઈ યથાશક્તિ પોતાની બહેનને ભેટ સ્વરૂપે કઈક આપીને પોતાનો સ્નેહ દર્શાવે છે. આમ, આ તહેવાર રક્ષાબંધનની જેમ જ ભાઈ અને બહેનની સ્નેહગાંઠ મજબૂત કરી તેમનો પરસ્પર પ્રેમભાવ વધારવામાં નિમિત્ત બને છે.
કેટલી સુંદર છે સમાજ વ્યવસ્થા! અને એમાંય શિરમોર આપણી ભારતીય / હિંદુ સંસ્કૃતિ..માતા - પિતા, ભાઈ - બહેન અને પતિ - પત્ની .. દરેક સંબંધ નિઃસ્વાર્થ.. બસ થોડી સમજણનું પાણી સીંચો, સ્નેહનું ખાતર આપો ને દરેક સંબંધનો છોડ ખુશીઓના પુષ્પોથી લચી પડે. એમાંય ભાઈ બહેનનો સંબંધ અદ્ભૂત હોય છે. બહેન નાની હોય કે મોટી, ભાઈ આપોઆપ તેના સંરક્ષકની ભૂમિકા ભજવવાની સમજણ કેળવી લે છે. ભાઈ અને બહેન વચ્ચે ઉંમરનો ભલે ગમે તેટલો તફાવત હોય, બંને વચ્ચે એકમેકનો સાથ નિભાવવાની એક મુક સમજૂતી નાનપણથી જ મનના ખૂણે બંધાઈ ગઈ હોય છે. એકબીજા વિના બંનેને ચાલે પણ નહીં અને નાની નાની બાબતે તકરાર કર્યા વિના પણ દિવસ પૂરો થાય નહિ.....
પોતે ભલેને આખો દિવસ ભાઈને ચીડવે કે હેરાન કરે પણ જ્યારે બીજું કોઈ તેના ભાઈને વઢે ત્યારે ઉપરાણું લઈ બહેન ભાઈની પડખે અડીખમ ઉભી રહેતી હોય છે. બહેન એક મા ની જેમ ભાઈને સાચવે, મિત્રની જેમ સમજે ને ગાઈડની જેમ મદદ પણ કરે. આવી બહેન જ્યારે પિયરનું આંગણું પારકું કરી સાસરે ચાલી જાય ત્યારે ભાઈને પણ બહુ ખોટ સાલતી હોય છે.
સૌ મિત્રોને તેમના ભાઈ- બહેન સાથેના સંબંધો આજે વધુ નિખરે, પરસ્પર સ્નેહ - સાયુજ્ય બની રહે તેવી શુભકામનાઓ..
આભાર..
-
Comments
Post a Comment