*જમાદાર શેરી*
*જમાદાર શેરી*
ભાવનગરમાં જમાદાર શેરી છે.
એ તાલબ જમાદાર ના નામ ઉપરથી ભાવનગર મહારાજે શેરીનું નામ રાખેલું છે.
તાલબ જમાદાર ભાવનગર રાજનો સેવક સેનાપતિ હતો.
એ બહુ દયાળુ,પોરહીલો, અને દાતાર કહેવાતો હતો.
એની ખૂબ પ્રિય વસ્તુના કોઈ વખાણ કરે તો એ વસ્તુ અત્યંત કિંમતી ભલે હોય ! એ આપી દેતો.
એની પાસે એક ઘોડી હતી.
પણ જાણે દેવતાઈ ઘોડી..!!
પીરાણી તાજણ હો...!!
અહવારે પલાણ માંડીને હથેળીમાં પાણી ભરેલી થાળી લીધી હોય ..ને ..પલ્લે વે'તી મેલી હોય ..તો ચિક્કાર થાળીમાંથી એક ટીપુંય હેઠું નો પડે એવી રેવાળ હાલ્ય..
પંડ્ય માથે હાથ મેલ્યો હોય તો હાથ સરીને હેઠો આવે..
સૂરજ નારાયણની સામે ચાંદુડિયા પાડે એવી ચમકીલી રેશમી રૂંવાટી...
હજારું.. લાખું..સોનાના બારીક તાંતણા નો પૂળો હોય એવી પૂછડાની થોભીયું નો છેડો ધરતી હાર્યે અડતો આવે.
બારેય મેઘ ખાંગા થયાં હોય ત્યારે પર્વતોમાંથી પડતો ધોધ હોય એવી કેહવાળી દીસે.
જમી હાર્યે ડાબો અડે નો અડે.. અડે નો અડે...એમ થનક થૈ.. થાતાં પગડા જીણી નજર વાળા આદમીને ય સમાયે દેખાય નઈ... એમ ત્રમઝટય..બોલાવે.
દેરાણી જેઠાણી સામસામી દરણા દળવા બેઠીયું હોય એવી કાનહોરી.
બેય કાનહોરી ની ટશરું આભને અડાડવા મથતી હોય ! એવી તો તાજણ અથરી....
એકવાર તાલબ જમાદારને એના નાનાભાઈ અલીએ કીધું..
" મોટા ભાઈ ,..કોક હાલ્યું જાતું માણહ તમારી વસ્તુના વખાણ કરે ને તમે એને ઇ વસ્તુ આપી દયો છો..એમ આ તાજણ કોઈને આપી નો દેતા હો...મને તાજણ બોવ વ્હાલી છે ."
તાલબ જમાદારે કીધું " અરે ! ગાંડા ..એમાં બીવસ ?? જા આજથી આ તાજણ તારી."
તાલબે વેણ દઈ દીધું.
પણ એક વખતની વાત.
તાલબ ઈ ઘોડી લઈને દરબારગઢમાં ગયો.
ભાવેણા ના ભૂપની નજર ઘોડી માથે ઠરી.
"ઓહો....!! તાલબ !! ...આ ઘોડી તને ઇન્દ્ર રાજાએ આપી છે કે શું ??"
તાલબ જમાદાર ના કાળજે પાધરી ફાળ પડી..'ક્યાંક મહારાજ ઘોડી માગશે તો ?'
પણ પડે એવી દેવાશે ...એમ વિચારી તાલબ ચૂપ રહ્યો.
મહારાજાએ કીધું :" તાલબ બોલ્ય ઘોડીની કિંમત..ગામડા માગીલે ..પણ આ તાજણ ....."
બાપુનું વેણ વચ્ચેથી કાપીને તાલબ જમાદાર બોલ્યો ." અન્નદાતા ...વેણ હામે ...હવે આ ઘોડીની કિંમત કોઈ નો આપી હકે."
"એટલે ?" ભાવેણા ના ભૂપ ની ભ્રમરો ખેંચાણી
" ભાવનગર દરબાર ખુદ અમારી જેવા નાના માણહ પાંહે કંઈક વેણ નાખે ને આપયી નઈ તો અમે નગુણા કેવાયી..પણ આ ઘોડી તો મેં મારા નાનાભાઈ અલી ને આપી દીધી છે..આ ઘોડી અલીની છે."
"ફોફા ખાંડોમાં જમાદાર ..કોનું વેણ પાછું ઠેલો છો ઈ ભાન તો છેને..?"
"હા,..મહારાજ...ભાનમાં છું...જેના અન્ન અમારી દાઢમાં ભર્યા છે ..જેની કિરપા થી અમારું જીવન નભે છે એવા ગંગાજળિયા ગોહિલ કુળ ને મામુલી વાતમાં ના પાડવી ગોઠતી નથી પણ અલીને વચન આપ્યું છે એટલે લાચાર છઉ."
"જમાદાર કાં તો ઘોડી રાજના આંગણે બાંધો ..ને કાં તો તમારા બિસ્તરા બાંધો..."
"ભલે અન્નદાતા...કાલ્ય..હવારનો હુરજ કોર કાઢે તંયે અમે ભાવેણાનો સીમાડો આળહી ગ્યા હશું.."
તાલબ જમાદાર ઘરે આવ્યા..ભાયુંને અને પરિવારને ભાવનગરનું પરગણુ જાકારો આપે છે ..ઈ વાત કરી..અને સાબદા કર્યા.
આણી કોર્ય..ભાવેણા ના ભૂપને વિચાર આવ્યો..
ઓહોહો..મેં શું કર્યું..!! નીતિવાન અને વચન માટે થઈને રાજનો ખોફ વહોરી લે એવા ખાનદાન સિપાહી ઉપર જુલમ કર્યો..??
આ તો સેજકજીનું ગંગાજળીયું કુળ..
મહારાજા ખુદ તાલબ જમાદારને આંગણે આવ્યા.
મિત્રભાવે તાલબને સમજાવ્યો.
રાજમાં મોભો આપ્યો.
અને તાલબ જમાદારના નામને અમર કરવા ..એ વખતની ભાવનગરની સૌથી સમૃદ્ધ શેરીનું નામ જમાદાર શેરી એવું નામ આપ્યું.
દાયકાઓ બાદ પણ આજે આપણે એ ખમીરાત ને યાદ કરીએ છીએ.
હું ત્રીસ વર્ષ પહેલાં ભાવનગર છ મહિના રહ્યો ત્યારે એ જમાદાર શેરીમાં થૈને રોજ બે વાર પસાર થતો.ત્યાં નવનીતભાઈ જૈન ની લોજમાં જમવા જતો.
અમારા રાજાનું અમને ગૌરવ છે.
અખંડ દેશ આલેખવા,નગરથી નીકળે નૃપ,
સૌથી પહેલા સોંપતો,,ભાવેણા નો ભુપ,
ઉદારતાથી મૂકે ઉઘાડા,કૃષ્ણકુમારસિંહજી કમાડ,
જતન અરિ નું જાણતો,મારો ગરવો ગોહિલવાડ
શિહોરી પર્વત શોભતા,ઉદધિ ઉગમણો,
પાણીદાર આ પંથક,નદીયુંથી નમણો,
આઈ ખોડલ જ્યાં અવતરી,ધન્ય ધરા ધન્ય ઝાડ,
વટથી "ભાલ"વખાણતો,મારો ગરવો ગોહિલવાડ
Comments
Post a Comment