શા માટે કાંડે બાંધવામાં આવે છે નાડાછડી?
શા માટે કાંડે બાંધવામાં આવે છે નાડાછડી?
ભારતીય ધર્મ અને પુરાણોમાં દરેક જગ્યાએ જે વસ્તુઓનો અર્થ દર્શાવામાં આવ્યો છે, તે વિના કારણે નથી દર્શાવાયો. આવી જ એક વસ્તુ છે નાડાછડી એટલે કે રક્ષાસુત્ર. હંમેશા તમે જોયુ હશે કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરતી વખતે બ્રાહ્મણ વિભિન્ન મંત્રો બોલી નાડાછડી બાંધે છે. સામાન્ય રીતે સ્ત્રીઓને ડાબા હાથ પર અને પુરુષોને જમણા હાથ પર એવી માન્યતા છે કે, નાડાછડીમાં દેવી કે દેવતા અદૃશ્ય રીતે વિરાજમાન હોય છે. નાડાછડીનો દોરો સૂતરમાંથી તૈયાર થાય છે અને તે ઘણા રંગો જેમ કે પીળો, સફેદ, લાલ કે પછી નારંગી રંગનો હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ નાડાછડી શા માટે બંધાતી હશે અથવા આ એક નાનકડો દોરો તમારી શું રક્ષા કરી શકે છે? આ વાત વિશ્વાસની છે. હંમેશા આ દોરો અત્યંત વિશ્વાસ સાથે તમારા હાથ પર બાંધવામાં આવે છે, જેને કારણે તે અમૂલ્ય શક્તિનો પર્યાય બની જાય છે.
ઈતિહાસ
એવું મનાય છે કે યજ્ઞમાં જે યજ્ઞસૂત્ર બંધાય છે તે આગળ ચાલી 'રક્ષાસુત્ર' કહેવાય છે. પૌરાણિક કથાઓમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે, જે પ્રમાણે ભગવાન વિષ્ણુના વામનાવતારે પણ રાજાબલીને રક્ષાસુત્ર બાંધ્યુ હતુ અને ત્યાર બાદ જ તેમના પાતાળ જવાનો આદેશ કરવામાં આવ્યો હતો. રક્ષાસુત્ર બાંધતી વખતે એક મંત્ર બોલવામાં આવે છે. આજે પણ આ મંત્ર બોલતા બોલતા રક્ષાસુત્ર બાંધવામાં આવે છે. તેમાં પણ આ જ ઘટનાક્રમનું વર્ણન જોવા મળે છે. ભારતમાં તમામ પુજ્ય અને આદરણીય લોકોને રક્ષાસુત્ર બાંધવાની પરંપરા રહી છે. વૃક્ષોની રક્ષા માટે પણ રક્ષાસુત્ર અને કુટુંબની રક્ષા માટે માતાને રક્ષાસુત્ર બાંધવાના દ્રષ્ટાંતો જોવા મળે છે.
મંત્ર
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:।
तेन त्वामनुबध्नामि रक्षे मा चल मा चल।।
આ મંત્રનો સામાન્ય અર્થ એ છે કે, દાનવોના મહાબલી રાજા બલી જેને બાંધીને ગયા હતા, તેને હું તમને બાંધુ છુ. હે રક્ષાસુત્ર ચલાયમાન ન થાવ, ચલાયમાન ન થાવ.
ધર્મશાસ્ત્ર
ધર્મશાસ્ત્રમાં વિદ્વાનો પ્રમાણે તેનો અર્થ એ છે કે, રક્ષાસુત્ર બાંધતી વખતે બ્રાહ્મણ કે પુરોહિત પોતાના યજમાનને કહે છે કે જે રક્ષાસુત્રથી દાનવોના મહાપરાક્રમી રાજા બલી ધર્મના બંધનમાં બંધાઈ ગયા હતા તે જ સુત્રથી હું તમને બાંધુ છુ એટલે કે ધર્મ માટે પ્રતિબદ્ધ કરુ છુ. ત્યારબાદ પુરોહિત રક્ષાસુત્રથી કહે છે કે હે રક્ષા તમે સ્થિર રહેજો, સ્થિર રહેજો. આ પ્રકારે રક્ષાસુત્રનો ઉદેશ્ય બ્રાહ્મણો દ્વારા પોતાના યજમાનને ધર્મ માટે પ્રેરિત કરે છે.
અગત્યની વાતો
વાહન, પેન, બહીખાતા, ચાવીનો ઝુડો, તિજોરી પર પવિત્ર નાડાછડી બંધાવાથી લાભ થાય છે.
કળશ, કબાટ, ચાવીમાં, પૂજા ઘરમાં બાંધવાથી ઘરમાં ખુશીઓ આવે છે.
નોકરી કરનારા લોકો કામના ટેબલ પર અને કબાટમાં આ પવિત્ર દોરાને રાખે તો લાભની શક્યતા વધી જાય છે.
તેને કાંડા પર બાંધવાથી આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે.
બીમારીઓને દૂર રાખે છે
કાંડા પર નાડાછડી બાંધવાથી તે હંમેશા નસ સાથે જોડાયેલું રહે છે, જે અનેક બીમારીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેનાથી રક્તનો સંચાર સારો થાય છે. જેને કારણે રક્તચાપ, હૃદયરોગ, ડાયાબિટીસ અને લકવા જેવી ગંભીર બીમારીઓથી દૂર રહેવાય છે.
રોગપ્રતિકાર શક્તિ વધે છે
જ્યારે તમે કાંડા પર નાડાછડી બાંધો છો તો તે એક્યુપ્રેશર અનુસાર, તે તમને મજબૂત અને ફીટ રાખે છે.
નાડાછડી બાંધવાથી આ નસોની ક્રિયા નિયંત્રિત રહે છે. શરીરનો કેટલાક મહત્વના અંગો સુધી પહોંચનારી નસો કાંડાથી થઇને પસાર થાય છે. જ્યારે તમે કાંડા પર નાડાછડી બંધાવો છો તો તેનાથી તે નસો પર ક્રિયા નિયંત્રિત થાય છે. જેનાથી ગરમી, પિત્ત અને કફ જેવી સમસ્યાઓને નિયંત્રણમાં કરી શકાય છે
નાડાછડીના બે પ્રકારની હોય છે પ્રથમ જેમા ત્રણ રંગ લાલ, પીળો અને લીલો દોરો હોય છે. બીજી તરફ જેમા પાંચ રંગના દોકા સામેલ હોય છે. લાલ, પીળા, લીલા, સફેદ અને લીલો.. પાંચ રંગ વાળી નાડાછડીને પંચદેવ નાડાછડી પણ કહેવામાં આવે છે. નાડાછડીને હાથમાં બાંધતા સમયે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તેને હાથમાં માત્ર ત્રણ વખત જ લપેટવામાં આવે છે.
Comments
Post a Comment