પુરૂષોનું પિયર ક્યાં?
પુરૂષોનું પિયર ક્યાં?
પિયરે ફરીને આવતી દરેક સ્ત્રીના ચહેરા પર એક અનેરી ચમક છવાઈ જતી હોય છે. બાળકોને સાથે લઈને કે તેમને લીધા વગર પિયર રહીને આવેલી સ્ત્રી આવનારા પાંચ-છ કે વધુ મહિનાઓ માટે રી-ચાર્જ થઇ જતી હોય છે. પિયરમાં તેની ખુબ સરભરા થાય છે. તેના બાળકોની જવાબદારી પિયરિયાં ઉપાડી લે છે અને સ્ત્રીને પુરેપુરો આરામ આપવાની કોશિશ કરે છે. તેનો સાસરિયાનો શારીરિક તેમ જ માનસિક થાક ઉતરી જાય તેની પૂરેપૂરી કાળજી પિયરમાં લેવાય છે.
પરંતુ પુરૂષોનું શું? સાંસારિક જવાબદારીઓ વહન કરવાનો થાક પુરુષોનેય લાગતો હોય છે. પુરુષોનેય એમ થતું હોય છે કે કશેક જઈને રિલેક્સ થવું જોઈએ. પણ જાયેં તો જાયેં કહાં?
પરણેલા પુરુષને તો તેના માતા-પિતા, પત્ની, સંતાનો વગેરે પરિવારજનોની ઝંઝાળ કાયમી વળગેલી હોય છે. કામ સિવાય બહારગામ જાય તોય પત્ની તો જોડે ને જોડે જ હોય. તો કરવાનું શું?
કદાચ એટલા માટે જ આજકાલ બોય્ઝ નાઈટ આઉટ અને બોય્ઝ વેકેશન આઉટની નવી પ્રથા શરુ થઇ છે. ક્યારેક ડિનર અને ડ્રિંક્સ માટે ફક્ત પુરુષો (પત્ની વગર) જ ભેગાં મળતાં હોય છે અને ખુલ્લા દિલથી હસી-મજાક કરી લેતાં હોય છે. વરસે એકાદવાર આવું મેન્સ ઓન્લી વેકેશન લેવાનો ટ્રેન્ડ પણ શરુ થયો છે, જેમાં એકાદ પાર્ટી પ્લેસ પર બધા મિત્રો (નો કપલ્સ) વેકેશનની મોજ માણી આવે છે.
મારા મતે આવા વેકેશન્સ અને નાઈટ્સ-આઉટ પુરુષો માટે પિયરની ગરજ સારતા હોય છે. પતિ આવા એકાદ વેકેશન પર જવાની ઈચ્છા જાહેર કરે, તો તેની સામે પત્નીના ભવાં સંકોચાવા ન જોઈએ. પત્નીએ પતિને શંકાના દાયરામાં ઊભો ન કરી દેવો જોઈએ. અરે ! ક્યારેક તો એને પણ એની ફ્રીડમ માણવા દો. દરેક પુરુષ લંપટ નથી હોતો. એકલો મૂકાય તો વંઠી જાય તેવો નથી હોતો. એનેય પોતાના પરિવાર સાથે શાંતિથી જીવવું હોય છે. વધારાની ઝંઝાળ એનેય નથી જોઈતી હોતી. બાકી જેને ઉધામા કરવા હોય છે તે તો ગમે તે રીતે કરી જ લે છે.
ટૂંકમાં પુરુષોનેય પિયર જઈને રિલેક્સ થવાનો હક છે. ભલે એ પિયર તેના પેરેંટ્સનું ઘર ન હોઈને એકાદ વેકેશન ડેસ્ટિનેશન કે પછી એકાદ મિત્રનું ઘર હોય.
Comments
Post a Comment