વાર્તા
એક પ્રેમી કપલની વાત છે.
બંને દરિયા કિનારે ફરવા ગયાં હતાં.
નાળિયેરીની નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે નદીની રેત પર ધબકતું એક દૃશ્ય જોયું.
એક વૃદ્ધ કપલ એકબીજાનોહાથ પકડી ચાલતાં હતાં. બંનેના પગ ખુલ્લા હતા. ભીની રેતીનો અહેસાસ બંને માણતાં હતાં.
જોકે નક્કી કરી શકાય એવું ન હતું કે બંનેના ચહેરા પર જે કુમાશ હતી અને દિલમાં જે ટાઢક હતી એ ભીની રેતી પર પડતાં ખુલ્લા પગથી હતી કે પછી એકબીજાના પકડાયેલા હાથની ઉષ્માથી.
પ્રેમિકા ઊભી થઇ અને એ એજેડ કપલ પાસે ગઇ. પ્રેમી પણ તેની પાછળ ગયો.
પ્રેમિકાએ એ બંનેને પૂછ્યું, અંકલ, પ્રેમ એટલે શું?
અંકલે કહ્યું, પ્રેમ એટલે સાથે બુઢ્ઢા થવાની મજા.
પત્નીનો હાથ ઊંચો કરીને કહ્યું કે
આ કરચલીવાળો હાથ છે એની દરેક સળ મેં જીવી છે.
અમારી ઊંડી ઊતરી ગયેલી આંખોમાં અમે એકબીજાને સંઘરી અને સાચવી રાખ્યાં છે.
અરે મેં તો એને પ્રપોઝ જ એવી રીતે કર્યું હતું કે, મારે તારી સાથે બુઢ્ઢા થવું છે. તને મારી સાથે ઘરડું થવું ગમશે?
એણે હા પાડી અને જિંદગીની સુંદર સફર શરૂ થઇ.
હા, એ સમયે શરીરની ચામડી તંગ હતી. ચહેરા પર કુમાશ હતી.
આ દરિયાની રેતી પર અમે દોડતાં હતાં. સ્વિમિંગ કરતાં હતાં.
ધીમે ધીમે મોટાં થતાં ગયાં.
દોડવાનું બંધ થયું.
પછી ચાલતાં હતાં અને
અત્યારે સાવ ધીમાં ધીમાં ડગલાં ભરીએ છીએ.
ઘણું બદલ્યું છે પણ એક ચીજ ક્યારેય નથી બદલાઇ.
એ છે આ હાથ.
એ છે આ સાથ.
એ છે આ સંગાથ અને
એ છે એકબીજાનું અતૂટ સાંનિધ્ય.
તમે અમને બંનેને રેતી પર ચાલતાં જોયાં એમ અમે પણ તમને બંનેને એ બાંકડા પર બેઠેલાં જોયાં હતાં.
તારી આન્ટીએ કહ્યું કે, જો આપણા ભૂતકાળનું જીવતું-જાગતું દૃશ્ય સામે ધબકે છે.
અમે એ જ બાંકડા પર બેસતાં.
ઉંમર પણ કદાચ તમારા જેવડી જ હતી.
તમને બંનેને એક જ વાત કરવાનું મન થાય છે કે,
એકબીજા સાથે બુઢ્ઢા થવાની એક એક પળ માણજો.
*ઉંમરને અને પ્રેમને*
*કોઇ સંબંધ નથી*
હા એટલું છે કે પ્રેમ કરતાં રહેશો ત્યાં સુધી જીવંત હશો.
ક્યારેક ઝઘડા પણ થશે, વિરહ પણ આવશે
પણ
એનાથી પ્રેમ કરવાનું ઓછું નહીં કરતાં.
વૃદ્ધ કપલ આગળ ચાલતું થયું પછી ભીની આંખે છોકરીએ છોકરાને કહ્યું,
મારી સાથે વૃદ્ધ થઇશ?
મારી સાથે શરીરમાં પડતી કરચલી માણી શકીશ?
આંખ ઊંડી ઊતરે એમ પ્રેમ અગાધ બનાવીશ?
આ હાથની રેખાઓમાં તારા હાથની રેખા મેળવી દઇશ?
છોકરાએ એક શબ્દ બોલ્યા વિના પ્રેમિકાના હાથ હાથમાં લઇને પોતાના ચહેરા ઉપર મુકી દીધા.
દરેક વખતે સંમતિ શબ્દોથી જ મળતી હોતી નથી.
વિરહ ઘણી વખત એ પણ સાબિત કરતો હોય છે કે તમારો પ્રેમ કેટલો ઉત્કટ છે.
કોને હાજરી અને ગેરહાજરીથી કેટલો ફેર પડે છે.
એક મિત્રએ કરેલી આ વાત છે.
એનાં મમ્મી-પપ્પાને એકબીજા વગર જરાય ન ચાલે.
ઘરમાં જ હોય, પણ બીજા રૂમમાં હોય તો તરત જ બૂમ પાડે કે ક્યાં ગઇ?
એને બસ નજર સામે જ જોઇએ.
ઘણી વખત તો બોલાવવા માટે બહાનાં શોધતા હોય છે.
એને ખબર હોય કે બોલપેન ક્યાં પડી છે તો પણ અવાજ મારે કે, બોલપેન ક્યાં છે? મને આપ તો.
એક વખત મમ્મીએ કહ્યું કે, કબાટના પહેલા ખાનામાં છે. તો સામેથી જવાબ આપ્યો કે, એમ નહીં, અહીં આવીને આપી જા.
આ સંવાદ સાંભળીને મેં એકવાર મમ્મીને કહ્યું હતું કે, પપ્પા પણ ખરા છે. એક બોલપેન હાથે લઇ નથી શકતા.
એ વખતે મમ્મીએ કહ્યું હતું કે એવું નથી દીકરા. એને બોલપેન નથી જોઇતી એને હું જોઉં છું. એને મારી હાજરી જોઇએ છે. સાચું કહું, એ આવું કરે છે એ મને પણ ગમે છે.
ઝૂરવાનું ક્યારેક થોડીક ક્ષણો પૂરતું પણ હોય છે.
મેં પછી પપ્પાને આ વાત કરી.
ત્યારે તેણે કબૂલ્યું કે, હા એ વાત સાચી છે.
તેણે પછી કહ્યું કે અમે બંને બહુ દૂર રહ્યાં છીએ. કામ સબબ હું બહાર રહેતો હતો. એ વખતે મેં એને બહુ મિસ કરી છે.
એ વખતથી વિચારતો હતો કે મારો સમય આવશે ત્યારે એને મારી નજર સામેથી ખસવા નહીં દઉં.
ઉંમર ગમે તે હોય દીકરા, પણ વિરહ એ વિરહ હોય છે અને પ્રેમ એ પ્રેમ હોય છે.
પ્રેમ થવો એ અલૌકિક અનુભવ છે, પણ પ્રેમ કરતાં રહેવું એ જિંદગીને જીવતી રાખવાની કળા છે.
વિરહ ગમતો નથી, વિરહ સહન થતો નથી છતાં એ પ્રેમનો જ એક પ્રકાર છે.
ઉંમર ગમે તે હોય, તમારી વ્યક્તિને સતત પ્રેમ કરતા રહો.
શરીર ભલે ઘસાયેલું હોય, દિલ કસાયેલું હોવું જોઇએ.
ડગલાં ભલે ધીમે ભરાય, પણ દિલ ધબકતું રહેવું જોઇએ.
કુદરતે સૃષ્ટિની રચના અને પ્રકૃતિનું સૌંદર્ય પ્રેમ કરવા માટે જ સર્જ્યું છે, કુદરતના આ સર્જનને સાર્થક કરવા અને તેને ફિલ કરવા માત્ર એક જ વસ્તુ કરતી રહેવાની હોય છે અને એ છે ભાવનાત્મક પ્રેમ !
Comments
Post a Comment