સુતારનો વડલો

સુતારનો વડલો

અજય અને વિદ્યા દેશમાં આવ્યા હતા.. સરકારી કચેરીના કામ ગણતરી કરતાં વહેલા પતી ગયા.. ચાર પાંચ દિવસ ફાજલ હતા , એટલે વતનના ગામડે આંટો મારી આવવાનું વિચાર્યું.. જોકે અજયને બાપદાદનું એક મકાન અને થોડા દુરના કુટુંબીઓ સિવાય બીજું કંઈ વતનમાં હતું નહીં..
પાદરના વડલા પાસે અજયે ગાડી રોકાવી.. એ ઘેઘુર વડલાને જોતો રહ્યો.. 
વિદ્યાએ પુછ્યું , તો કહ્યું.. " આ વડલો વાલજી સુતારનો વડલો કહેવાય છે.. આપણા દાદાએ વાવ્યો હતો.. ગામમાં કોઈ પણ જાન આવે , ત્યારે સામૈયાની રાહ જોતી અહીં ઉતરે.. દાદા જાનને પાણી પાવા જાય.. હું પણ ગાગર લઈને સાથે જતો.. દાદા લાકડાની ઝેરણી સરસ બનાવતા.. સાસરે જતી બધી છોકરીઓને ભેટ આપતા , અને કહેતા કે.. 'દિકરી , ખાટા દહીંને આ ઝેરણીથી વલોવીએ તો મીઠું માખણ નિકળે.. એમ ઘરમાં કંઈ ખટાશ આવે તો માણસાઈથી વલોવતાં શીખજો.. મીઠાશ નિકળ્યા વગર નહીં રહે..'
કોઈ મરી જાય ત્યારે નનામીને અહીં વિસામો આપે.. દાદા ફુલ ચડાવવા જાય.. મને બીક લાગતી , હું સાથે ના જતો..”
બન્ને ગાડીમાંથી બહાર નિકળ્યા.. અજયે વડલા સામેનું ખખડી ગયેલું મકાન બતાવ્યું.. " આ અમારું મૂળ ઘર..”
એટલામાં બાજુમાં રહેતા કુટુંબી આવી ગયા..આગ્રહ કરીને ઘરે લઈ ગયા..
અજય આવ્યાની વાત ફેલાતાં એના બચપણના મિત્રો પણ આવ્યા..વિદ્યાએ આવું ગામડિયું વાતાવરણ ક્યારેય જોયું ન હતું..
એક કુટુંબીને ત્યાં જમવાનું ગોઠવાયું.. એણે પોતાને લગત હોઈ મકાન ખરીદી લેવા વાત કરી..
મોડી રાત સુધી મળવાવાળાનો ડાયરો ચાલ્યો.. સુવા માટે અલાયદા ઓરડાની વ્યવસ્થા કરી હતી.. 
રાતે વિદ્યાએ અજયને કહ્યું.. " આપણે આ મકાનના પૈસાને શું કરવા છે..?એના કરતાં સમારકામ કરાવી આમને જ સોંપી દઈએ.. એ ભલે વાપરે.. અને ગામમાં જાન આવે ત્યારે ઉતારો કરાવે.. અને ચા પાણી પાય.. આપણે ખરચો મોકલતા રહેશું..”
અજય બોલ્યો.. " વાત સાચી છે.. દાદાની નામનાને લીધે આપણને આટલું માનપાન મળ્યું.. નહીંતર હવે કોણ કોને પુછે છે..”
વિદ્યા હસી.. " હા , ખાસ વાત તો ભૂલાઈ ગઈ.. એમને કહેશું કે.. દાદા બનાવતા એવી ઝેરણીઓ બનાવી રાખે , અને સાસરે જતી દિકરીને દાદા વતી ભેટ આપે..”
એક લાંબો શ્વાસ લઈ એ આગળ બોલી.. " આપણને એમ કે ભણેલ ગણેલને જ ગ્નાન થાય.. પણ દાદા જેવા અભણ પણ કેટલા ઉંડા ગ્નાનને જીવનમાં ઉતારીને અમલ કરતા..”

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

महासती अनुसूया माता story