અદભૂત સ્ટોરી છે...*👌

*અદભૂત સ્ટોરી છે...*👌

 *એકવાર અચૂક વાંચજો.*

એક દિવસ એક શિક્ષિકાબહેને નવમા ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના કલાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમજ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. 

થોડીક ઈંતેજારી પણ થઈ કે બહેન શું કરવા માંગે છે ? શિક્ષિકાબહેને ત્યાર બાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે-તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિશે બધાને જેટલું યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકદરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. કલાસનો બાકીનો સમય આ કાર્યમાં જ પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકાબહેનને સુપરત કરીને વિદાય લીધી.

અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર વર્ગના દરેક વિદ્યાર્થીએ તેના વિશે શું સરસ લખ્યું છે તેની યાદી કરી. સોમવારે ફરીથી કલાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળી યાદી આપી. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદ્દગારો સરી પડ્યા.

‘અરે ! ભગવાન ! બધા મારા વિશે આટલું સરસ વિચારે છે ?’
‘દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે ? આવું તો મેં ક્યારેય સપને પણ વિચારેલું નહીં !’ ‘બધા મને આટલું ચાહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી…!’ 

આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદ્દગારો વ્યક્ત કરતો ગયો. પોતાનું મહત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈના માનવામાં જ નહોતું આવતું !

એ દિવસ પૂરો થયો. ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને જ રહ્યા. કોણે કોના વિશે શું લખ્યું હતું તે કોઈ જાણતું ન હતું. એટલે બાકીનાં વરસો દરેક જણે એકબીજાની લાગણી ન દુભાય તેનો બરાબર ખ્યાલ રાખ્યો. મહિનાઓ વીતી ગયા. આ વાત પણ ભુલાઈ ગઈ.

ઘણાં વરસો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેટનામ સામેની લડાઈમાં માર્યો ગયો. નામ એનું માર્ક. એનું શબ ગામમાં લાવવામાં આવ્યું. દેશને ખાતર ખપી જનાર એ જવાંમર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઊમટી પડ્યા. પેલાં શિક્ષિકાબહેન પણ એમાં સામેલ હતાં. 

જ્યારે એમણે અશ્રુભરી આંખે…. ‘મારા વહાલા વિદ્યાર્થી ! ભગવાન તારા આત્માને શાંતિ અર્પે..’ 

એમ કહીને કોફિન પર ફૂલ વેર્યાં ત્યારે બાજુમાં ઊભેલ અન્ય એક સૈનિક નજીક આવ્યો. ધીમેથી એણે કહ્યું : ‘શું તમે જ માર્કનાં નવમા ધોરણના કલાસટીચર છો મૅડમ ?’
‘હા. કેમ ?’ શિક્ષિકાબહેનને આશ્ચર્ય થયું.
‘ના, કંઈ નહીં. માર્ક તમારા વિશે હંમેશા ખૂબ જ કહેતો રહેતો. તમને હંમેશાં એ અતિ આદરથી યાદ કરતો.’ ત્યાર પછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડીક ગુસપુસ શરૂ થઈ ગઈ.

અંતિમક્રિયા પતી ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા ત્યારે એક સજ્જન પેલાં શિક્ષિકાબહેનની પાસે આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા : ‘નમસ્તે ! તમે જ માર્કનાં નવમા ધોરણના કલાસટીચર છો ને ? જુઓ, માર્ક મરાયો ત્યારે એના ખિસ્સામાંથી આ કાગળ મળેલો. એના પર માર્કે પોતાના હાથે લખેલું છે કે નવમા ધોરણનાં મારાં અતિઆદરણીય કલાસટીચર તરફથી મળેલી સર્વોત્તમ ભેટ….’ સેલોટેપ વડે ઠેકઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ગડી વળાયેલો હશે એ એની સ્થિતિ પરથી સાફ દેખાઈ આવતું હતું. 

કાગળ જોઈને શિક્ષિકાબહેન ગળગળાં થઈ ગયાં. એ પેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે કલાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલું.

‘બહેન !’ માર્કની જ બેરેકમાં સાથે રહેતો અન્ય એક સૌનિક બોલ્યો : ‘માર્ક હંમેશાં કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી.’

એ જ સમયે અન્ય એક યુવતી ત્યાં આવી અને બોલી : ‘હા બહેન ! મારા પતિએ પણ એમનો આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે !’

‘અરે, મારા પતિએ તો અમારા લગ્નના આલબમમાં સૌથી પ્રથમ પાને આવો કાગળ જ લગાવ્યો છે !’

‘અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં જ રાખું છું. મારી જિંદગીની પણ એ એક અત્યંત કીમતી ભેટ છે !’ અન્ય એક યુવકે પોતાના ખિસ્સામાંથી એવો જ કાગળ કાઢીને બધાને બતાવ્યો. વાતાવરણમાં અહોભાવથી ભરેલી શાંતિ છવાઈ ગઈ. 

આંખમાં આંસુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલાં શિક્ષિકાબહેનને જોઈ રહી. હવે રડવાનો વારો શિક્ષિકાબહેનનો હતો. દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને એ ખૂબ જ રડ્યાં.

એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે ! બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે. 

આપણે હંમેશાં બીજા અંગે વાત કરતાં કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકો એ શબ્દોને મઢાવીને જ રાખવાના ! આપણે આપણા મિત્રો, સ્નેહીઓ, તેમજ સગાંવહાલાંઓને કહીએ કે આપણે એમને કેટલા ચાહીએ છીએ, 

આપણા માટે એ લોકો ખૂબ જ મહત્વના છે, આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છીએ, એ લોકોના ક્યા સદગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન પણ આપે છે….. ચાલો, ખૂબ જ મોડું થાય તે પહેલાં દુનિયાને પણ કહી દઈએ કે અમે તને ખૂબ જ ચાહીએ છીએ !  


*આપ સર્વે ને ઉપર નું ઉદાહરણ ગમ્યું હોય તો સંકલ્પ કરજો કે જીવન માં ક્યારેય કોઈ ની બુરાઈ નહિજ કરીએ*

*દરેક વ્યક્તિઓ માં કંઇક ને કંઇક વિશેષતાઓ હોય છે આપણે એજ સદગુણો ને નજર સમક્ષ રાખવા*

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

महासती अनुसूया माता story